અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર વધુ એક વિદ્યાર્થી પર છરીથી હુમલો થવાની ઘટના સામે આવી છે. હુમલામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. Ahmedabad Ghatlodia School Incident 2026
પ્રાથમિક માહિતી મુજબ, બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉથી ચાલતા આવેલા જૂના વિવાદને કારણે આ હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિદ્યાર્થીઓ ધોરણ 10ના છે. સ્કૂલની બહાર થયેલી બોલાચાલી થોડા સમયમાં જ શારીરિક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આરોપીની ઓળખ તથા ઘટનાના કારણો અંગે તપાસ ચાલી રહી છે.
સેવન્થ-ડે સ્કૂલ કેસની યાદ ફરી તાજી
આ ઘટનાએ ગયા વર્ષે સેવન્થ-ડે સ્કૂલમાં બનેલા હત્યાકાંડની યાદ ફરી તાજી કરી દીધી છે. 19 ઓગસ્ટ, 2025ના રોજ ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની બોક્સ કટરથી હત્યા કરવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજે ચોંકાવ્યા હતા લોકો
તે કેસમાં બહાર આવેલા સીસીટીવી ફૂટેજમાં નયન ઘાયલ હાલતમાં સ્કૂલમાં પ્રવેશતો જોવા મળ્યો હતો. તે પેટ પકડીને બેસી ગયો હતો અને થોડા સમય બાદ જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસ લોકો હાજર હોવા છતાં તાત્કાલિક મદદ ન મળતા ભારે વિવાદ થયો હતો.
વાલીઓનો રોષ અને સ્કૂલ સામે કાર્યવાહી
તબીબી સહાયમાં થયેલા વિલંબને લઈ વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શન બાદ સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ સ્થગિત કરાયું હતું, બાદમાં સલામતીના પગલાં સાથે ધોરણ 10 અને 12 માટે ફરી શરૂ કરાયું હતું.













