રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે આજે એક મોટી રાહતભરી ખબર સામે આવી છે. વર્ષોથી ચાલતી મુશ્કેલીને અંત લાવતા રાજ્ય સરકારે હવે અનાજના જથ્થા માટે બહેનોને પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો નહીં પડે એવો નિર્ણય કર્યો છે. Anganwadi Workers Rs 2400 Allowance gujarat
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ હવે રેશનિંગ દુકાન કે સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજ વહન માટેનો ખર્ચ સરકાર ચૂકવશે. આ માટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને વર્ષમાં વધુમાં વધુ ₹2400 સુધીની સહાય આપવામાં આવશે.
અત્યાર સુધી શું સ્થિતિ હતી?
અત્યાર સુધી આંગણવાડી બહેનોને નાના બાળકો માટેના નાસ્તા અને ભોજન માટે અનાજ સરકારી ગોડાઉનથી લાવવું પડતું હતું, પરંતુ એ માટે કોઈપણ પ્રકારનો વહન ખર્ચ મળતો નહોતો. પરિણામે, ઘણી બહેનોને પોતાની મર્યાદિત આવકમાંથી જ ખર્ચ કરવો પડતો હતો, જે લાંબા સમયથી એક મોટો પ્રશ્ન બની ગયો હતો.
સતત રજૂઆત બાદ આવ્યો નિર્ણય
આ મુદ્દે ભારતીય મજદૂર સંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ આ સમસ્યા રજૂ કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી બેઠકો, 4 ઓગસ્ટ 2025ની સત્યાગ્રહ છાવણીની રેલી અને 10 નવેમ્બર 2025ના અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેના શ્રમિક આંદોલન બાદ સરકાર પર દબાણ વધ્યું હતું. સતત ફોલોઅપના પરિણામે આજે આ નિર્ણય લેવાયો છે.
કેવી રીતે મળશે સહાય?
સરકારી ઠરાવ મુજબ અનાજના પરિવહન માટે માસિક ₹200ના હિસાબે સહાય આપવામાં આવશે, જે વર્ષમાં વધુમાં વધુ ₹2400 સુધી મર્યાદિત રહેશે. આ રકમ ખાસ કરીને અનાજના જથ્થા લાવવા માટે થતા ખર્ચ માટે જ હશે.
બહેનોમાં ખુશીનો માહોલ
આ નિર્ણય બાદ રાજ્યભરની આંગણવાડી બહેનોમાં ખુશી અને સંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી ચાલતી એક વાસ્તવિક મુશ્કેલી દૂર થતાં બહેનોને હવે મોટી રાહત મળશે.
ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જીગ્નેશ મજમુદાર અને પ્રદેશ મહામંત્રી ગીરીશ પટેલે આ નિર્ણયને આવકાર્યો છે અને સરકારનો આભાર માન્યો છે. સાથે જ તેમણે બાકી રહેલા અન્ય પ્રશ્નો પર પણ આવો જ સંવેદનશીલ અભિગમ અપનાવવાની માંગ કરી છે.










