આજે કોમોડિટી બજારમાં એવી ઘટના બની કે ઘણા રોકાણકારો થોડા સમય માટે સ્તબ્ધ રહી ગયા. જે ચાંદી થોડા કલાકો પહેલા રેકોર્ડ ઊંચાઈએ પહોંચીને ખુશી આપી રહી હતી, એ જ ચાંદી થોડી જ મિનિટોમાં ધડામ કરીને નીચે આવી ગઈ. ચાંદીના ભાવમાં એક કલાકની અંદર લગભગ ₹65,000 પ્રતિ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. Silver price hits
હાલ MCX પર ચાંદી ₹3,97,428 પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહી છે.
એક કલાકમાં શું બદલાયું?
બજાર ખુલતાની સાથે જ ગુરુવારે ચાંદીના ભાવમાં તીવ્ર તેજી જોવા મળી હતી. માંગ એટલી વધુ હતી કે ચાંદી સીધી જ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગઈ. થોડા સમય માટે એવું લાગી રહ્યું હતું કે ચાંદી આજે ઇતિહાસ રચશે.
પરંતુ સાંજના સમયગાળા દરમિયાન, લગભગ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ, અચાનક જ બજારમાં ભારે નફા-બુકિંગ શરૂ થયું. જે ભાવ થોડા મિનિટો પહેલા ₹4.20 લાખ પ્રતિ કિલો સુધી પહોંચ્યા હતા, તે ઘટીને ₹3.55 લાખ પ્રતિ કિલો સુધી આવી ગયા. બાદમાં થોડી સુધારણા થઈ અને ભાવ ફરી ₹3.96 લાખની આસપાસ સ્થિર થયા.
અચાનક એટલો મોટો ઘટાડો કેમ આવ્યો?
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઊંચા સ્તરે પહોંચ્યા બાદ ઘણા મોટા રોકાણકારોએ એકસાથે વેચવાલી શરૂ કરી. આ સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ચાલતી અસ્થિરતાનો સીધો અસર ભારતીય બજાર પર પણ પડી.
જ્યારે ભાવ ઝડપથી ઉપર જાય છે, ત્યારે નફો બુક કરવો સ્વાભાવિક બને છે. એ જ કારણસર ચાંદીમાં આટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો.
રોકાણકારો માટે તક કે જોખમ?
નિષ્ણાતોનું માનવું છે કે ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે તક બની શકે છે. જો કોઈ ધીરજ રાખીને રોકાણ કરવા માગે છે, તો આવા ઘટાડાના સમયગાળા દરમિયાન ખરીદી લાભદાયી બની શકે છે.
પરંતુ સાથે જ તેઓ ચેતવણી પણ આપે છે કે ટૂંકા ગાળાના ટ્રેડર્સે ખાસ સાવચેત રહેવું જોઈએ. બજારમાં અસ્થિરતા ખૂબ વધારે છે અને ભાવમાં ફરી તીવ્ર ઉછાળો અથવા ઘટાડો આવી શકે છે.












