અમદાવાદ હવે ભવિષ્યના મોટા ઇવેન્ટ્સ—કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક—ની તૈયારીમાં વેગ પકડી રહ્યું છે. આ ઇવેન્ટ્સ દરમિયાન શહેરમાં VIP અને VVIP મૂવમેન્ટ વધવાની શક્યતા હોવાથી ટ્રાફિક અને સુરક્ષાને લઈને તંત્રએ ગંભીર પગલાં ભર્યા છે. સૌથી મોટી કામગીરી રૂપે શહેરના પશ્ચિમ વિસ્તારમાં હવે સત્તાવાર રીતે Ahmedabad ઢોરમુક્ત ઝોન જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં શહેર પોલીસ કમિશનરએ ન્યૂ વાડજ, નારણપુરા, સ્ટેડિયમ વોર્ડ સહિતના કેટલાક વિસ્તારોને ઢોરમુક્ત ઝોન ઘોષિત કર્યા છે. એટલે કે હવે આ વિસ્તારોમાં રખડતા ઢોર જોવા મળે તો માલિકો સામે સીધી કાર્યવાહી થશે. રસપ્રદ વાત એ છે કે હવે જાહેર સ્થળોએ ઘાસ અથવા પશુઆહાર વેચવાની પણ મંજૂરી રહેશે નહીં.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ—વારંવાર થતા માર્ગ અકસ્માતો. છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરના કારણે બે-વ્હીલર સવારો અને રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થવાના કિસ્સાઓ વધ્યા છે. મોટા ઇવેન્ટ્સ દરમિયાન કોઈ જાતની અવરજવરમા અડચણ ન પડે, તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
AMCએ ઢોર માલિકો માટે 60 દિવસની અંદર અનિવાર્ય રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કર્યું છે. દરેક ગાય અથવા ભેંસ પર ચિપ અથવા ટેગ લગાવવો પડશે અને માલિકીની ફેરફાર થાય તો તેની જાણ તાત્કાલિક AMCને કરવી પડશે.
ઢોરમુક્ત તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં રિવરફ્રન્ટ, હેપ્પી સ્ટ્રીટ, CG રોડ, ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ સ્ટેડિયમ સહિતના વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે.













