Gujarat Latest News Live :ગુજરાતી ન્યૂઝ ગુજરાત સ્ક્વેર Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આજે PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન, 50 દેશોના 135 પતંગબાજો લેશે ભાગ Gujarat Latest News Live
અમદાવાદ : ગુજરાતની ઓળખ બની ગયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 આજે અમદાવાદમાં ભવ્ય રીતે શરૂ થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. આ કાર્યક્રમમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝર પણ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. PM Modi ahmedabad kite festival 2026
આ વર્ષે મહોત્સવમાં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાની કલાત્મક પતંગ ઉડાવી વિશ્વભરના દર્શકોને મંત્રમુગ્ધ કરશે. સાથે સાથે વિશાળ ચબૂતરા, રંગબેરંગી પતંગો અને સાંસ્કૃતિક સંગીતની ઝાંખી મહોત્સવને વધુ આકર્ષક બનાવશે.
Ahmedabad Kite Festival 2026 : વારસો, સંસ્કૃતિ અને રંગોની ઉજવણી
અમદાવાદ કાઈટ ફેસ્ટિવલ 2026 દરમિયાન શહેરની હેરિટેજ હવેલીઓ, પૌરાણિક પોળ, રંગીન હસ્તકલા બજાર અને હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ રહેશે.
આ ઉપરાંત આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન પણ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં લોકો યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી શકશે. સાંજે 07:00 વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં લોકપ્રિય લોકગાયિકા કિંજલબેન દવે પોતાની સુરીલી રજૂઆત કરશે.
વડોદરા ખાતે 13 જાન્યુઆરીએ પતંગ ઉત્સવ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં કુલ 1,071 પતંગ રસિયાઓ ભાગ લેશે. જેમાં 50 દેશોના 135 પતંગબાજો, ભારતના 13 રાજ્યોમાંથી 65 અને ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો સામેલ રહેશે.
મહોત્સવ દરમિયાન 25 હસ્તકલા સ્ટોલ અને 15 ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, સંસ્કૃતિ અને સ્વાદને પ્રોત્સાહન આપશે.
આ વર્ષે પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં 10 જાન્યુઆરી 2026, વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 11 જાન્યુઆરી 2026 તથા વડોદરા ખાતે 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે.
પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત આવશે
વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં 3.83 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષ્યા હતા. ગુજરાત ટૂરિઝમ અનુસાર, વર્ષ 2026માં આ આંકડો વધીને પાંચ લાખથી વધુ થવાની શક્યતા છે.
‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે વધુ મજબૂત બનાવી રહ્યો છે.













