અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં મોડી રાત્રે એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરી ગોહિલને ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. Congress leader Shaktisinh Gohil nephew kills wife
માત્ર બે મહિના પહેલા થયા હતા લગ્ન
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના યશરાજ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના માત્ર બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. નવા જીવનની શરૂઆત વચ્ચે જ બંને વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડો થયો હતો, જે પછી આ ઝઘડો જીવલેણ રૂપ લઈ ગયો.
ઉગ્ર ઝઘડા બાદ થયો ફાયરિંગ
મોડી રાતે બંને વચ્ચે વાતચીત ઉગ્ર બની હતી. બોલાચાલી વધતા યશરાજસિંહે પોતાની પાસે રહેલી લાયસન્સવાળી બંદૂકથી પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા જ રાજેશ્વરી જમીન પર ઢળી પડી હતી.
108ને ફોન કર્યા બાદ લીધો આત્મહત્યાનો નિર્ણય
પત્ની ગંભીર રીતે ઘાયલ થતાં યશરાજસિંહે તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ પહોંચતા તબીબે રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી. 108નો સ્ટાફ બહાર નીકળ્યા બાદ યશરાજસિંહે પોતાના માથે ગોળી મારી જીવન ટૂંકાવી લીધું હતું.
NRI ટાવરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બનાવની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન-1 DCP અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. NRI ટાવરના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ફ્લેટના રહેવાસીઓ સિવાય કોઈને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
હજી અકબંધ છે બનાવ પાછળનું કારણ
પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા છે. લગ્નના ટૂંકા ગાળામાં જ આવું પગલું કેમ ભરાયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. વસ્ત્રાપુર પોલીસ હથિયાર ક્યાંથી આવ્યું, ઝઘડો કઈ બાબતે થયો અને ઘટનાક્રમ શું હતો તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.













