અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સસ્તા દારૂને પ્રીમિયમ તરીકે વેચવાનો ગેરકાયદેસર કારોબાર સામે આવતા દારૂ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. ઓઢવ પોલીસે રહેણાંક વિસ્તારમાંથી નકલી વિદેશી દારૂના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. Fake liquor unit busted in Ahmedabad odhav
અરિહંતબાગ સોસાયટીમાં ચાલતો હતો રેકેટ
ઓઢવની અરિહંતબાગ સોસાયટીમાં આવેલા એક મકાનમાંથી આ આખી પ્રવૃત્તિ ચાલતી હતી. અહીં ખુલ્લા સસ્તા દારૂને પ્રીમિયમ બ્રાન્ડની બોટલોમાં ભરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતો હતો. બોટલ, ઢાંકણાં અને સ્ટીકરો બધું જ નકલી હોવાથી ગ્રાહકોને અસલી દારૂ હોવાનું ભાસ થતો હતો.
પત્નીની ધરપકડ, પતિ ફરાર
ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડતાં 40 વર્ષીય લક્ષ્મીબેન શાહની ધરપકડ કરવામાં આવી છે. જોકે દરોડા દરમિયાન તેમના પતિ અલ્પેશભાઈ શાહ ફરાર થઈ જતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
રૂ. 2.20 લાખનો દારૂ અને સામગ્રી જપ્ત
દરોડા દરમિયાન પોલીસે રૂ. 2.20 લાખ જેટલો વિદેશી દારૂ તેમજ દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે. જેમાં 33 લિટર ખુલ્લો ઇંગ્લિશ દારૂ, આશરે 30 જેટલી ખાલી પ્રીમિયમ બોટલો, નકલી ઢાંકણાં અને નકલી બ્રાન્ડ સ્ટીકરો મળી આવ્યા હતા.
લાંબા સમયથી ચાલતી હતી છેતરપિંડી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ લાંબા સમયથી સસ્તા દારૂને પ્રીમિયમ રૂપ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. રહેણાંક વિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાને કારણે સ્થાનિકોમાં ભય અને ચિંતા ફેલાઈ છે.
પોલીસની વધુ તપાસ ચાલુ
ઓઢવ પોલીસે દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં, દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોને સપ્લાય થતો હતો તે અંગે પોલીસે હવે તમામ દિશામાં તપાસ તેજ કરી છે.













