અમદાવાદમાં વર્ષના અંતની ઉજવણીનો સૌથી મોટો ઉત્સવ કાંકરિયા કાર્નિવલ 2025 આજથી, એટલે કે 25 ડિસેમ્બરથી શરૂ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 7 વાગ્યે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી ચાલશે અને આ દરમિયાન તમામ દર્શકો માટે મફત પ્રવેશ રહેશે. Kankaria carnival 2025 timing
પ્રથમ દિવસે પ્રખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના લોકપ્રિય ગીતોથી કાર્નિવલના માહોલને રંગીન બનાવશે. આ વર્ષે કાર્નિવલમાં ડ્રોન શો, પાયરો શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો સહિત અનેક નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે.
સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ફ્રી એન્ટ્રી Kankaria carnival 2025
કાંકરિયા કાર્નિવલ દરમિયાન દર્શકો માટે સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ ખુલ્લો રહેશે. સાત દિવસ દરમિયાન વિવિધ ગુજરાતી કલાકારો દ્વારા સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગીતાબેન રબારી, ઈશાની દવે અને બ્રિજદાન ગઢવી સહિતના કલાકારો ભાગ લેશે.
અમદાવાદ ફ્લાવર શો 2026: ટિકિટ ? જાણો નવા ભાવ
ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર, અનેક વિસ્તારો ‘નો પાર્કિંગ’ જાહેર
કાર્નિવલ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતા હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. કાંકરિયા લેકની આસપાસના વિસ્તારોને નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યુ-ટર્ન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. લોકોને ઘરેથી નીકળતા પહેલા રુટ ચેક કરવાની અપીલ કરવામાં આવી છે.
ભીડ નિયંત્રણ માટે ટેકનોલોજીનો ઉપયોગ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પહેલી વખત ભીડ સંભાળવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાંકરિયાના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેડ કાઉન્ટ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા પરિસરમાં હાજર લોકોની સંખ્યા પર લાઈવ નજર રાખવામાં આવશે.
જો ભીડ 80 હજારથી 1 લાખ સુધી પહોંચશે તો સુરક્ષાના હેતુસર ગેટ તાત્કાલિક બંધ કરવામાં આવશે અને ભીડ ઘટ્યા બાદ ફરીથી પ્રવેશ આપવામાં આવશે.
CCTV અને ડ્રોનથી સતત સર્વેલન્સ
સુરક્ષા માટે કાંકરિયા પરિસરમાં કુલ 110થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે. CCTVનું લાઈવ ફીડ કાંકરિયા ખાતેના પોલીસ કંટ્રોલ રૂમ અને પાલડી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સુધી પહોંચશે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ
આજે સવારે કાંકરિયા કાર્નિવલ દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો પ્રયાસ પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3500થી વધુ સફાઈ કર્મચારીઓ મળીને સૌથી મોટું બલૂન મોઝેક તૈયાર કરશે. સાંજે કાર્યક્રમ દરમિયાન ગિનીસ રેકોર્ડ અંગે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
ત્રણ સ્ટેજ પર સાત દિવસ કાર્યક્રમો
કાર્નિવલ માટે ત્રણ અલગ-અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. 26 ડિસેમ્બરથી ત્રણેય સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત કાર્યક્રમો યોજાશે. મહિલાઓ અને બાળકો માટે ખાસ સેશન પણ રાખવામાં આવ્યા છે.












