ગુજરાતના રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના વધતા ભાર વચ્ચે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું (DA) માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. અત્યાર સુધી 58% ના દરે મળતું ભથ્થું હવે વધારીને 60% કરવામાં આવ્યું છે અને આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. Government Approves 2% DA Hike
આ નિર્ણય કેન્દ્ર સરકારના 22 એપ્રિલ 2026ના નિર્ણયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી રાજ્યના કર્મચારીઓને પણ સમાન લાભ મળી શકે.
પગાર અંગે વાત કરીએ તો વધારાનો લાભ મે 2026ના પગારમાં ઉમેરાશે, એટલે કે કર્મચારીઓને જૂન 2026માં મળનારા પગારમાં વધારેલો DA મળશે.
જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીનો તફાવત પણ ચૂકવવામાં આવશે. આ ચાર મહિનાની બાકી રકમ એક જ હપ્તામાં મે મહિનાના પગાર સાથે આપવામાં આવશે, જેના કારણે એક સાથે વધુ રકમ હાથમાં આવશે.
આ નિર્ણયનો લાભ પેન્શનરોને પણ મળશે. તેમને પણ 2 ટકાનો વધારો અને જાન્યુઆરીથી એપ્રિલ સુધીની બાકી રકમ ચૂકવાશે, જે નિવૃત્ત લોકો માટે સીધી રાહત સમાન છે.
સરકારે ગણતરી માટે સ્પષ્ટ નિયમ નક્કી કર્યો છે. 50 પૈસા કે તેથી વધુ રકમને આખા રૂપિયામાં ગણાશે, જ્યારે 50 પૈસા કરતાં ઓછી રકમ ગણતરીમાં લેવામાં આવશે નહીં.
આ રીતે ભલે વધારો 2% નો હોય, પરંતુ દર મહિને થતો વધારો અને એક સાથે મળતા તફાવત બંને મળીને સામાન્ય પરિવારોને નાણાકીય રીતે રાહત આપશે. હવે કર્મચારીઓ માટે સૌથી મહત્વની તારીખ જૂન 2026 રહેશે, કારણ કે ત્યારે જ આ વધારાનો વાસ્તવિક લાભ મળશે.










