નગરપાલિકાઓની ભરતી, બઢતી-બદલીમાં બદલાવ

નગરપાલિકાઓની ભરતી, બઢતી-બદલીમાં બદલાવ જુદા-જુદા કોર્પોરેશનોમાંથી એકબીજામાં આંતરિક બદલી, નગરપાલિકામાં ૧૦ વર્ષફરજ બજાવનારાની કોર્પોરેશનમાં નિમણુંક, નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નર સ્તરે ભરતી પ્રક્રિયા સહિતના મોટા બદલાવઃ દરખાસ્ત તૈયાર; દિવાળી બાદ સતાવાર જાહેરાત

ગાંધીનગર,તા.22 ગુજરાતના શહેરી વિસ્તારોમાં તૂટેલા રસ્તાથી માંડીને નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ભારે ગણગણાટ છે. તેવા સમયે રાજય સરકારે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. શહેરી ઈન્ફ્રાસ્ટ્રકચરનુ સંચાલન કરવા માટે નિષ્ણાંતો-પ્રોફેશ્નલોની એક રાજયવ્યાપી ટીમ ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની વિસ્તૃત દરખાસ્ત પણ તૈયાર થઈ ગઈ છે અને મંજુરીના તબકકે છે. દિવાળી બાદ તેની સતાવાર જાહેરાત કરવામાં આવશે. રાજયના શહેરી વિકાસ મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત શહેરી વહીવટ સેવામાં ભરતી માટેના નિયમો નિર્ધારિત કરવામાં આવશે અને કોર્પોરેશનોમાં અધિકારીઓની આંતરિક બદલીની છુટ્ટ આપવામાં આવશે. હાલ કોર્પોરેશનોમાં પોતપોતાના જ અધિકારીઓ હોય છે. નવા નિયમ દાખલ થયા બાદ નગરપાલિકાઓમાં દાયકાથી વધુ કામ કરનારા અધિકારીની કોર્પોરેશનમાં બદલી થઈ શકશે.

ઉપરાંત જુદા-જુદા કોર્પોરેશનોમાં પણ એકબીજાની બદલી કરી શકાશે. ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૧૫૬ નગરપાલિકા છે. આ સિવાય રાજય સરકારે નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી તથા મોરબીને કોર્પોરેશનનો દરજજો આપવાનુ જાહેર કર્યુ છે જે અસ્તિત્વમાં આવ્યા બાદ કોર્પોરેશનની સંખ્યા ૧૩ પર પહોંચશે. રાજયના કોર્પોરેશન તથા નગરપાલિકાઓમાં વહીવટ અસરકારક બનાવવા માટે ગત વર્ષની ચિંતન શિબિરમાં સૂર ઉઠયો હતો. તેના એક વર્ષ બાદ હવે રાજય સરકાર આ દિશામાં આગળ ધપી છે. પાણી પુરવઠા, હિસાબો, પર્યાવરણ, ઈલેક્ટ્રીકલ તથા સેનીટેશન જેવી અનેકવિધ સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજયવ્યાપી નવી શહેરી કેડર બનાવવા માટેની આ યોજના માટે શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને સરકાર તુર્તજ મંજુરી આપશે. નવી ટીમના પગાર સહિતની જવાબદારી મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ હસ્તક રહેશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન તથા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની પણ આર્થિક રીતે સદ્ધર બનશે.

નગરપાલિકાઓમાં ખાલી સહિતની જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક કમિશ્નર સ્તરે ભરતી પ્રક્રિયાના અધિકાર અપાશે. અધિકારીએ એવો દાવો કર્યો હતો કે નિષ્ણાંતોની અલગ ટીમ કેડરથી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવા તથા શહેરી સ્ત્રોતો સુધારવા માટે જવાબદારી નક્કી થશે અને તેઓ અસરકારક પરફોર્મન્સ માટે જવાબદેહી રહેશે. Nagar Palika Bharti change rules

Leave a Comment