ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે પંચાયત વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરી છે. Gpssb new bharti 2026
પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલ વિધાનસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરીને વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
પંચાયત અને ગ્રામ વિકાસ માટે બજેટમાં મોટો વધારો
વર્ષ 2026–27ના બજેટમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મંત્રીના જણાવ્યા મુજબ પંચાયત વિભાગ માટે અંદાજે ₹9378.78 કરોડ અને ગ્રામ વિકાસ વિભાગ માટે ₹5479.07 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ રીતે બંને વિભાગોને મળીને કુલ ₹14,857.85 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના અન્ય વિભાગો જેમ કે આરોગ્ય, શિક્ષણ અને ICDS દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સુવિધાઓ મજબૂત કરવા માટે અલગથી નાણાં ફાળવવામાં આવે છે.
સ્વચ્છતા માટે “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના”
ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન વધુ અસરકારક બને તે માટે સરકાર દ્વારા “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” અમલમાં મુકવામાં આવી છે.
આ યોજના હેઠળ ગામોમાં ડોર-ટુ-ડોર કચરા સંકલન, ઘન કચરો પ્રક્રિયા એકમો, કોમ્પોસ્ટિંગ અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રવૃત્તિઓને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે.
વર્ષ 2026–27 માટે આ સંકલિત યોજના માટે ₹650 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ વ્યવસ્થા
ગ્રામ્ય વિકાસના કામો વધુ સુવ્યવસ્થિત અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે નવી વ્યવસ્થા પણ શરૂ કરી છે.
વિકાસ કમિશનરની કચેરી ખાતે Project Management Unit (PMU) અને દરેક જિલ્લામાં Project Management Consultant (PMC) સ્થાપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ માટે રાજ્ય સરકારે અંદાજે ₹7.20 કરોડની જોગવાઈ કરી છે, જેથી વિકાસ કામો સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થઈ શકે.
ગામોમાં બનશે આધુનિક “અટલવાડી”
ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા “અટલવાડી” નિર્માણ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ અટલવાડીમાં ગામસભા, યુવા મંડળ, મહિલા મંડળની બેઠકો અને સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વર્ષ 2026–27માં આ યોજના માટે ₹60 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
પંચાયત વિભાગમાં નવી જગ્યાઓ પણ મંજૂર
વિકાસકામો વધતા જતા હોવાથી પંચાયત વિભાગમાં નવી જગ્યાઓ પણ ઊભી કરવામાં આવી છે.
સરકારે 127 વિસ્તરણ અધિકારી અને 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ મંજૂર કરી છે. આ માટે દર વર્ષે અંદાજે ₹6.66 કરોડનો ખર્ચ થશે.
તે ઉપરાંત બનાસકાંઠાના વિભાજન પછી બનેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે.
પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાત આગળ
ભારત સરકાર દ્વારા પંચાયતોના વિકાસનું મૂલ્યાંકન કરવા માટે Panchayat Advancement Index (PAI) અમલમાં મૂકવામાં આવ્યો છે.
આમાં PAI-A કેટેગરીમાં આવેલા 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની છે, જે રાજ્યના ગ્રામ વિકાસ માટેની મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
ગ્રામ પંચાયતોના વિકાસ માટે નવી યોજના
રાજ્યમાં ઝડપથી વધતા શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ માટે વર્ષ 2025–26માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ એવા તાલુકા મુખ્ય મથક ગામો, જ્યાં નગરપાલિકા નથી, એવા 114 ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
યુવાનો માટે રોજગારની મોટી તક
પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત રાજ્યના યુવાનો માટે મોટી તક બની શકે છે.











