LRD અને PSI ભરતી 2025-26 માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. 21 જાન્યુઆરીથી ફિઝિકલ ટેસ્ટ શરૂ થશે. પરંતુ હકીકત એ છે કે ઘણી બધી મહેનત છતાં ઉમેદવારો રનિંગ ટેસ્ટમાં જ અટકી જાય છે. સૌથી મોટો પ્રશ્ન એક જ છે—5 કિમી 25 મિનિટમાં કેવી રીતે પૂરી કરવી? Gujarat Police PSI Physical Test Prep 2026
‘વીડિયો જોઈને પ્રેક્ટિસ કરવાથી રિઝલ્ટ નથી આવતો’
10 વર્ષથી પોલીસ ભરતીની તૈયારી કરાવતા કોચ શિવાંગ જોષી કહે છે કે, મોટાભાગના યુવાનો પરીક્ષા આવે ત્યારે જ દોડવાનું શરૂ કરે છે. ભાઈઓ માટે 5 કિમી 25 મિનિટ અને બહેનો માટે 1600 મીટર 9.30 મિનિટનું ટાર્ગેટ હોય છે, પરંતુ યોગ્ય ટ્રેનિંગ વગર એ શક્ય નથી.
તેઓ કહે છે, “અમે અત્યાર સુધી 750થી વધુ વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પાસ કરાવ્યા છે. મોટાભાગે નિષ્ફળ થવાનું કારણ એ છે કે ઉમેદવારો સોશિયલ મીડિયાના વીડિયો જોઈને જાતે જ પ્રેક્ટિસ કરે છે.”
રાઉન્ડ ગણવામાં ભૂલ એટલે સીધી નિષ્ફળતા
ઘણા ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડ હોય છે, ક્યાંક 13. થાક આવે ત્યારે ધ્યાન ભટકે છે અને રાઉન્ડ ગણવામાં ભૂલ થાય છે. કોચ કહે છે કે રબર બેન્ડ, સ્ટોન કે અન્ય ટ્રિક્સ કરતાં વધુ સારી રીત માત્ર એક છે—રાઉન્ડ ગણવાની નિયમિત પ્રેક્ટિસ.
પરીક્ષા પહેલા ડાયટ ખૂબ જ મહત્વની
- કોચ મુજબ, પરીક્ષા પહેલાં એક અઠવાડિયાથી ડાયટ કંટ્રોલ જરૂરી છે.
- વધારે મસાલેદાર ખોરાક ટાળવો
- સવારે વહેલા ઉઠવાનું રૂટિન બનાવવું
- 3 થી 4 લિટર પાણી પીવું
- હેવી એક્ટિવિટીથી બચવું
- પરીક્ષા પહેલાંના દિવસે હેવી રનિંગ નહીં, ફક્ત લાઇટ જોગિંગ અને સ્ટ્રેચિંગ કરવું.
દોડતી વખતે હાર્ટમાં દુખે તો શું કરવું?
ફિઝિયોથેરપિસ્ટ જણાવે છે કે, એકદમ દોડવાનું શરૂ કરવું ખતરનાક છે. પહેલાં વોકિંગથી શરૂઆત કરવી જોઈએ. હાર્ટ ધીમે ધીમે એડજસ્ટ થાય એ જરૂરી છે. જો દોડતી વખતે છાતીમાં દુખાવો થાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
રોજ 5 કિમી દોડવું જરૂરી નથી
PSI ઉમેદવાર ઉર્વીન ચૌધરી કહે છે કે પહેલાં તેઓ રોજ 5 કિમી દોડતા હતા, છતાં ટાઈમ સુધરતો ન હતો. એકેડમી જોડાયા પછી વોર્મ અપ, સ્પીડ વર્કઆઉટ, લોંગ રનિંગ, ડાયટ અને કૂલ ડાઉન સમજાયા.
તેમનો હાલનો ટાઈમ 5 કિમીમાં 20 મિનિટ 21 સેકન્ડ છે.
‘હવે હું 24 મિનિટમાં પૂરી કરી શકું છું’
જય ચૌધરી કહે છે કે ગામડામાં ગ્રાઉન્ડ ન હોવાથી દોડવામાં મુશ્કેલી પડતી હતી. યોગ્ય માર્ગદર્શન મળ્યા બાદ આજે તેઓ 24 મિનિટમાં 5 કિમી પૂરી કરી શકે છે.
દવા કે ટેબ્લેટ લેવી મોટી ભૂલ
20 વર્ષના અનુભવ ધરાવતા કોચ સૂર્યા સ્પષ્ટ કહે છે કે, દોડ ઝડપથી પૂરી કરવા માટે કોઈ પણ પ્રકારની દવા કે ટેબ્લેટ ન લેવી. આવી સલાહ આપનારથી દૂર રહેવું.
તેમના જણાવ્યા મુજબ, જો ફાઈનલમાં 12 રાઉન્ડ હોય તો પ્રેક્ટિસમાં 15-16 રાઉન્ડ દોડવું જોઈએ અને છેલ્લાં દિવસોમાં સ્પીડ વર્કઆઉટ પર ફોકસ રાખવો જોઈએ.
ફાઈનલમાં પહેલાં સ્પીડ કે પછી?
એક્સપર્ટ્સ કહે છે કે, શરૂઆતમાં મધ્યમ સ્પીડ રાખવી, પછી છેલ્લાં રાઉન્ડમાં ધીમે ધીમે સ્પીડ વધારવી સૌથી સુરક્ષિત અને અસરકારક રીત છે.













