મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET) પહેલાં જ પેપર લીક થવાનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. પેપર લીકની ઘટનાને ધ્યાનમાં રાખીને 28 જૂન, 2026ના રોજ યોજાનારી પરીક્ષા તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. Maharashtra TET exam paper leaked
મળતી માહિતી મુજબ, ઠાણે જિલ્લાના ભિવંડી વિસ્તારમાંથી પેપર લીક થવાની માહિતી મળી હતી. ગુપ્ત બાતમીના આધારે 27 જૂનની વહેલી સવારે લગભગ 4 વાગ્યે ભિવંડી પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન મળેલા પ્રશ્નપત્રો મૂળ MAHA TET પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું.
આ મામલે ભિવંડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ઓછામાં ઓછા ત્રણ શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે. સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ વર્ષે રાજ્યભરમાં લગભગ 4.28 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. કુલ 1,428 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની હતી. તેમાં 2.26 લાખથી વધુ કાર્યરત શિક્ષકો જરૂરી TET લાયકાત મેળવવા માટે પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, જ્યારે બાકીના ઉમેદવારો શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2025માં પણ કોલ્હાપુરમાંથી TET પેપર લીકનો કેસ સામે આવ્યો હતો. સતત બીજા વર્ષે આવી ઘટના બનતાં રાજ્યની પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.













