Gopal Namkeen factory Fire:રાજકોટમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ ,અફરાતફરીનો માહોલ સર્જાયો રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં સ્થિત ગોપાલ નમકીન ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ભભૂકી ઉઠતાં હાહાકાર મચી ગયો હતો. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
ફેક્ટરીમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. છેલ્લા બે કલાકથી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હાલમાં સુધી આગ અંકુશમાં આવી નથી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નથી.
ફેક્ટરીમાં સામાન્ય રીતે 400 થી વધુ કામદારો હોય છે, પરંતુ બુધવારે રજાના કારણે કામદારોની સંખ્યા ઓછી હતી, જેનાથી મોટી દુર્ઘટના ટળી છે. આગ લાગતાં આસપાસના રહેવાસીઓ અને ફેક્ટરીના કર્મચારીઓએ ફાયર બ્રિગેડને મદદ કરવા માટે આગળ આવી છે.
આગનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ ફેક્ટરીમાં ભરેલા બોક્સ અને પ્લાસ્ટિક બેગ સહિત અન્ય દહનશીલ સામગ્રી આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની શક્યતા છે. ઘટનાની ગંભીરતા સમજીને રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટિમોને બોલાવવામાં આવી છે અને ખાનગી ટેન્કરોની મદદ પણ લેવાઈ રહી છે.
ફેક્ટરીમાં લાગી ભીષણ આગ ભભૂકી ઉઠતાં હાહાકાર મચી ગયો pic.twitter.com/ikTJC9A31E
— Gujarat Square News (@gujaratsquare) December 11, 2024
આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગના તમામ પ્રયાસો ચાલુ છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.