વડોદરા શહેર ફરી એક વાર કંપાવી દેતી ઘટનાનો સાક્ષી બન્યું છે. નવરાત્રિ દરમિયાન ભાયલીમાં સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ હવે ફતેગંજ વિસ્તારમાં વધુ એક 15 વર્ષીય દીકરી સાથે ગેંગરેપની ઘટનાએ શહેરને ઝંઝોડીને નાખ્યું છે. Minor girl raped in Vadodara
8 જાન્યુઆરીના રોજ બપોરે ઘરેથી નીકળેલી સગીરાને હર્ષિત મેકવાન અને હેપ્પી નામના બે યુવકો બહાને રૂમમાં લઈ ગયા હતા. ત્યારબાદ અંદાજે ત્રણથી ચાર કલાક સુધી તેને બંધક બનાવી રાખી વારાફરતી દુષ્કર્મ આચરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલે પીડિતાની માતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા છે.
ગુજરાતમાં પ્રથમ ઘટના:મહારાજ દેવલોક પામ્યા અને ‘રહસ્ય’ ખુલ્યું!
મોડીરાતે હોસ્પિટલમાં ઉમટ્યો લોકોનો રોષ
ઘટનાની જાણ થતા જ પીડિતાના સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. ત્યાં પોલીસ સામે રોષ વ્યક્ત કરતા પરિવારજનોએ આરોપ લગાવ્યો કે શરૂઆતમાં ફરિયાદ લેવામાં પોલીસ તરફથી ઢીલાશ દાખવાઈ હતી.
ઘટનાની ગંભીરતા જોતા મોડીરાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
“પોલીસ સ્ટેશને ગયા છતાં ફરિયાદ લેવાઈ નહોતી” – પિતા
પીડિતાના પિતાએ ભાવુક અવાજે જણાવ્યું કે,
“મારી દીકરીને બોલાવીને ઘરમાં લઈ જઈને બે છોકરાઓએ તેના પર દુષ્કર્મ કર્યું. હું લારી ચલાવતો હતો. ફોન મળતાં જ દોડી આવ્યો. પોલીસ સ્ટેશને ગયા તો શરૂઆતમાં ફરિયાદ લેવાઈ નહોતી. જ્યારે અમે પરિવાર અને સમાજના લોકો સાથે પહોંચ્યા, ત્યારે જઈને ફરિયાદ નોંધાઈ. અમને માત્ર ન્યાય જોઈએ છે. આરોપીઓને કડક સજા થવી જોઈએ.”
પડોશીની બૂમો બાદ આરોપી ફરાર
સામાજિક કાર્યકર શકીલ ખાને જણાવ્યું કે,
સગીરા મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગાંને મળવા વડોદરા આવી હતી. દુકાન પાસે બેઠેલા યુવકોએ તેને બહાને ઘરમાં લઈ જઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. અંદાજે ચાર કલાક સુધી તેને બંધક બનાવી દુષ્કર્મ કરાયું. પડોશીએ બૂમો પાડતાં જ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા.
પોલીસ પર ગેરવર્તનનો આક્ષેપ
પરિવાર અને સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે શરૂઆતમાં પોલીસે સહકાર આપ્યો નહોતો અને પરિવાર સાથે ગેરવર્તન થયું હતું. બાદમાં દબાણ વધતા ફરિયાદ નોંધાઈ અને કાર્યવાહી હાથ ધરાઈ.
DCPનું નિવેદન
ડીસીપી ઝોન-1 જગદીશ ચાવડાએ જણાવ્યું કે,
“નવાયાર્ડ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ માતા દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મળતાં જ પોલીસએ અલગ-અલગ ટીમ બનાવી બંને આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓની ઉંમર 19 અને 20 વર્ષ છે. પૂછપરછ ચાલુ છે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”
આરોપી ઝડપાયા, સગીરા સારવાર હેઠળ
હાલમાં પીડિત સગીરાને એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ફતેગંજ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા છે અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે.












