નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલા પ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનમાંથી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને આશ્ચર્ય ફેલાયું છે. ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં વાઘના અવશેષો મળવાનો આ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે. Tiger Skins Claws Seized Gujarat Temple Rajpipla
દુર્ગંધ આવતા ખુલ્યું ભેદ
હનુમાન ધર્મેશ્વર મંદિરનું જૂનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેની મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક રૂમમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં મંદિર ટ્રસ્ટીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી. રાજપીપલા રેન્જના ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની તેમની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી.
તપાસ દરમિયાન એક બંધ પેટી મળી આવી, જેમાંથી વાઘના ચામડા અને નખ ભરેલી સામગ્રી બહાર કાઢવામાં આવી. પેટી ખુલતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યું.
37 આખા ચામડા, 133 નખ
વન વિભાગને કુલ 37 આખા વાઘના ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે. શંકાસ્પદ સામગ્રીને વૈજ્ઞાનિક તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવી છે.
35 વર્ષથી વધુ જૂના હોવાનું અનુમાન
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચામડા છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી પેટીમાં રાખેલા હતા. ચામડાં જૂના સમાચારપત્રોમાં વીંટાળેલા હતા, જેમાં 1992 અને 1993ના અખબારી પાનાં મળ્યા હતા. આ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર સામગ્રી બહુ જૂની છે.
મહારાજના રૂમમાંથી મળી પેટી
જે રૂમમાંથી આ પેટી મળી છે તે મંદિરના પૂજારી મહારાજનો હતો. આ મહારાજ ત્રણ મહિના પહેલા જ દેવલોક પામ્યા હતા. મંદિર ટ્રસ્ટી પ્રકાશ વ્યાસે જણાવ્યું કે મહારાજ મધ્યપ્રદેશના હતા અને મંદિર ખાતે બહારથી અન્ય સાધુઓની પણ આવનજાવન રહેતી હતી. કેટલાય સાધુઓ અહીં રાત્રી રોકાણ કરતા હતા.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પેટી અહીં કોણ લાવ્યું અને કયા હેતુથી રાખવામાં આવી – જે હાલ તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.
અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો
RFO જીગ્નેશ સોનીએ જણાવ્યું કે,
“તપાસ દરમિયાન 40થી વધુ ચામડા અને 133 નખ મળી આવ્યા છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સરકારને જાણ કરવામાં આવી છે. જો FSL રિપોર્ટમાં આ ચામડા વાઘના હોવાનું સાબિત થશે તો મહારાજ સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા તપાસવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે.”
વન વિભાગે હાલમાં મંદિરના મૃત્યુ પામેલા મહારાજ સાથે સંપર્કમાં રહેલા તમામ વ્યક્તિઓની માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.












