ગીર સોમનાથ, 17 માર્ચ: જિલ્લાના તાલાળા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસ વિસ્તારમાં પોલીસે નકલી દુધ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી મોટાપાયે ભેળસેળયુક્ત દુધ અને સાધનસામગ્રી જપ્ત કરી છે. Fake milk factory in Gir Somnath
આ કાર્યવાહી એસ.ઓ.જી. અને એલ.સી.બી.ની સંયુક્ત ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે મળીને 16 માર્ચની મોડી રાત્રે હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દ્વારા પામતેલ અને લેબલ વગરના સફેદ પાવડરનો ઉપયોગ કરી નકલી દુધ તૈયાર કરવામાં આવતું હતું, જેને તાલાળા વિસ્તારની વિવિધ દુધ ડેરીઓમાં વેચાણ માટે મોકલવાનું હતું.
જપ્ત કરાયેલ સામાન
પોલીસે સ્થળ પરથી કુલ અંદાજે ₹4,68,140/-નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં
- 3120 લિટર નકલી દુધ
- 260 કિ.ગ્રા પામતેલ
- 105 કિ.ગ્રા દુધ પાવડર
- 16 કિ.ગ્રા અમૂલ મીલ્ક પાવડર
- LPG સિલિન્ડર, મિક્સર અને વાસણો
- 78 ખાલી દુધના કેન
સમાવેશ થાય છે.
આરોપી અંગે માહિતી
પોલીસે આ કેસમાં રવિભાઈ કાળાભાઈ કરમટા (ઉંમર 24), રહે. ગુંદરણ ગામ, તાલાળાને સંડોવાયેલ હોવાનું જણાવ્યું છે.
આગળની કાર્યવાહી
ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા સ્થળ પરથી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને સમગ્ર મુદ્દામાલ સીલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.













