વડોદરા, 5 માર્ચ 2026: શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં ફરજ બજાવતી એક યુવા મહિલા પોલીસ કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ પ્રિયંકાબેન રમેશભાઈ પ્રજાપતિ (ઉંમર 27 વર્ષ) તરીકે થઈ છે. તેઓ કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. Vadodara Police Constable Suicide
પ્રાથમિક માહિતી અનુસાર, પ્રિયંકાબેને 4 માર્ચની રાત્રે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાધો હતો. આ ઘટના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારના આજવા રોડ નજીક આવેલા નવજીવન વિસ્તારમાં બની હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની પ્રિયંકાબેન છેલ્લા બે વર્ષથી વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ હાલમાં PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા.
તાજેતરમાં તેમણે PSI ભરતીની દોડ પરીક્ષા સફળતાપૂર્વક પાર કરી હતી અને હવે લેખિત પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. પરીક્ષા માટે તૈયારી કરવા તેઓ છેલ્લા લગભગ દસ દિવસથી રજા પર હોવાનું જાણવા મળ્યું છે.
4 માર્ચની રાત્રે લગભગ 11 થી 11:30 વાગ્યાની વચ્ચે તેમની એક મહિલા મિત્ર અભ્યાસ માટેની સામગ્રી આપવા તેમના ઘરે પહોંચી હતી. ઘણીવાર દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ જવાબ ન મળતા શંકા ઊભી થઈ.
આખરે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પ્રિયંકાબેન પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ સ્ટાફે આપી શ્રદ્ધાંજલિ
ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પોલીસકર્મીઓએ પ્રિયંકાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના અચાનક અવસાનથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
આપઘાતનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.












