અમદાવાદમાં નકલી ડોલર છાપતો હતો, ફેક્ટરી લગાવી હતી… માસ્ટરમાઇન્ડ 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અમદાવાદ વટવા જીઆઇડીસી માં નકલી ડોલર છાપનાર ચાર આરોપીઓની SOG પોલીસના કબજામાં અમદાવાદ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી સફળતા મેળવી છે. શહેરના વટવા વિસ્તારમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે આ ગેંગના ચાર સભ્યોને કસ્ટડીમાં લીધા છે અને તેમની પાસેથી 131 નકલી ઓસ્ટ્રેલિયન ડોલર તેમજ પ્રિન્ટર સહિતના સાધનો જપ્ત કર્યા છે. Ahmedabad Fake Dollar
20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહેતો માસ્ટર માઈન્ડ
આ ગેંગનો મુખ્ય સુત્રધાર મૌલિન પટેલ છે, જે 20 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહ્યો હતો. બે વર્ષ પહેલા તે અમદાવાદ પરત ફર્યો અને નકલી ચલણ છાપવાનું કાવતરું ઘડ્યું. મૌલિને તેના સાથી ધ્રુવ દેસાઈ સાથે મળીને પ્રિન્ટર દ્વારા નકલી ડોલર છાપવાનું શરૂ કર્યું.
ગેંગની કાર્યપ્રણાલી
પોલીસની તપાસ મુજબ, આ ગેંગ નકલી ડોલર છાપીને વિદેશ પ્રવાસ માટે ચલણની લેતી-દેતી કરતા લોકોને સસ્તા ભાવે વેચતી હતી. 40 રૂપિયામાં એક ડોલર આપવાની લાલચ આપી ગેંગ લોકોને આ દલાળીમાં ફસાવતી હતી. ગેંગમાં અન્ય બે સભ્યો, ખુશ પટેલ અને રૌનક રાઠોડ પણ સામેલ હતા, જેઓ વેચાણ માટે જવાબદાર હતા.
એસઓજીની કાર્યવાહી અને બાતમીના આધારે દરોડો
પોલીસને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં નકલી ડોલરના વેચાણનું રેકેટ ચાલી રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીઓને કાબૂમાં લીધા. તેમની પૂછપરછ દરમિયાન નકલી ચલણ છાપવાની સમગ્ર પ્રક્રિયા ઉજાગર થઈ.
અન્ય સભ્યોની શોધ શરૂ
એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું કે આ સમગ્ર નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ નકલી ચલણ છાપવા માટે અદ્યતન પ્રિન્ટરની મદદ લીધી હતી, જે હવે જપ્ત કરાયું છે.
પોલીસે ચેતવણી આપી છે કે નકલી ચલણના કારોબારમાં સંડોવાયેલો કોઈપણ વ્યક્તિ પોલીસની નજરથી બચી શકશે નહીં. Ahmedabad પોલીસનું આ પગલું નકલી ચલણના રેકેટ પર મોટા પ્રહારમાં સહાયક બનશે.